સ્વામી સહજાનંદ (સ્વામિનારાયણ) ગુજરાતી ભૂમિના પવિત્ર ધર્મગુરુ અને આધ્યાત્મિક વિચારક હતા

 

 


સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામી સહજાનંદ....

ગુજરાતમાં સર્વત્ર અંધાધૂંધી અને અરાજકતા પ્રવર્તતાં હતાં તે સમયે નીલકંઠે - સહજાનંદ સ્વામીગુજરાત-કાઠિયાવાડમાં ધર્મસુધારણાનું મહાન કાર્ય બજાવ્યું.

નીલકંઠ કોણ ?

અયોધ્યા પ્રાંતમાં મનોમતી નદીને કાંઠે આવેલા છપૈયા ગામમાં નીલકંઠનો જન્મ. પિતા હરિપ્રસાદજી પાંડે અને માતા પ્રેમવતીનો નીલકંઠ પર ખૂબ પ્રેમ. કોઈકે તેમને વિષે બચપણમાં જ આગાહી કરેલી કે બત્રીસલક્ષણો પુરુષ થશે. તે અગિયાર વર્ષનો થતાં માતાપિતા ગુજરી ગયાં. એક દિવસ મોટા ભાઈએ નીલકંઠને ઠપકો આપતાં તેણે ગૃહત્યાગ કર્યો. બચપણથી જ તેમનું મન વૈરાગ્ય તરફ ઢળેલું હતું. સાધુ-સંતોનો સત્સંગ એમને પ્રિય હતો. નીલકંઠના પિતા તેની વિરક્ત પ્રકૃતિ જાણી ગયેલા. એટલે મૃત્યુસમયે નીલકંઠને તેમણે કહેલું કે ઘર પ્રતિ ઉદાસીનતા ઉદ્ભવે તો રામાનંદ સ્વામીને શોધીને એમના સાંનિધ્યમાં જજે. એ સમયે કાઠિયાવાડમાં રામાનંદ સ્વામી ચમત્કારિક પુરુષ ગણાતા.

જીવનમાં કશુંક પ્રાપ્ત કરવાની આકાંક્ષાએ તરુણ નીલકંઠ, સરયૂ નદી પાર કરીને છેક હિમાલય સુધી પહોંચ્યા ત્યારે ત્યાં રસ્તામાં એક વડ નીચે ગોપાલ નામના એક પરમ યોગીને બેઠેલા જોયા. અષ્ટાંગસિદ્ધ આ યોગી પાસે થોડો સમય રહીને નીલકંઠે યોગાભ્યાસ કર્યો. બાદમાં તેમણે અનેક તીર્થોનાં દર્શન કર્યાં. ઉત્તરની તીર્થયાત્રા પછી પશ્ચિમ કિનારેથી પંઢરપુર આવ્યા. ત્યાંથી નાસિક થઈને ગુજરાતના સૌરાષ્ટ્ર-કિનારે પ્રવેશ કર્યો. લગભગ સાતેક વર્ષના પરિભ્રમણ બાદ સંવત ૧૯૫૬ના-શ્રાવણ વદ છઠને દિવસે નીલકંઠ માંગરોળ બંદર પાસે લૉજ નામના ગામમાં આવ્યા.

પરમજ્ઞાની સંન્યાસી આત્માનંદ પાસે દીક્ષા લેનાર સ્વામી રામાનંદને, રામાનુજાચાર્યે દર્શન આપીને તેમને કૃષ્ણદર્શન માટે આરાધનાની રીતિ દર્શાવી. એ રીતિએ ઉપાસના કરતાં રામાનંદને કૃષ્ણદર્શન થયું ત્યારે સ્વયં કૃષ્ણે ટૂંકસમયમાં પોતે પ્રગટ થશે તેવું તેમને વચન આપેલું. એ સંપ્રદાયના ભાવિકો રામાનંદ સ્વામીને ઉદ્ભવમતના અવતાર માનતા અને ભજતા. શ્રીકૃષ્ણનાં સાક્ષાત્ દર્શન પછી રામાનંદ નટ તો હજી આવશે. હું તો એના આગમનની ડુગડુગી વગાડું છું' એમ પોતાના અનુયાયી-સત્સંગીઓને તેઓ સતત કહેતા. રામાનંદજીને નીલકંઠના આગમનનો પત્ર મળ્યો ત્યારે ખુશખુશાલ થઈ ગયેલા.

એ કાળે લોજ ઉદ્ધવ સંપ્રદાયના પ્રખર સ્વામી રામાનંદનું મુખ્ય સ્થાન હતું. એ સંપ્રદાયના સ્વામી અને મુક્તાનંદજી શિષ્યો સહિત અહીં રહેતા હતા. નીલકંઠ અને મુક્તાનંદજીનું મિલન થયું. તેમની વચ્ચે અલ્પકાળમાં જ સ્નેહસંબંધ બંધાયો. હવે નીલકંઠ રામાનંદને મળવા આતુર બન્યા એ વખતે રામાનંદ કચ્છમાં હતા. એટલે મુક્તાનંદ અને નીલકંઠ બન્નેએ રામાનંદજીને એક સંયુક્ત પત્ર લખ્યો. કાસદે રામાનંદને એ પત્ર પહોંચાડ્યો કે રામાનંદના ચહેરા પર તેજ પ્રસરી રહ્યું. એમના રોમેરોમમાં હર્ષ ઊભરાઈ રહ્યો. પાસે બેઠેલા લાલજી સુથાર (જે પાછળથી નિષ્કુલાનંદ સ્વામી થયા)ને કુતૂહલ થયું. તેમણે પૂછ્યું : સ્વામી, આટલા હર્ષની શી વાત છે ?’

એક મહાન પુરુષનો આપણને સમાગમ થાય છે.રામાનંદ સ્વામીએ જવાબ આપ્યો ને ઉમેર્યું જે યુગપુરુષની, જે નટની હું રાહ જોઈ રહ્યો છું (હતો) તે હવે આવી ગયા છે.' આઠ મહિના પછી રામાનંદ સ્વામીનો નીલકંઠને પ્રત્યક્ષ સમાગમ થયો. તે સમય દરમિયાન તેમણે ગુરુએ પત્ર દ્વારા ચીધેલું કાર્ય, મુક્તાનંદની નિશ્રામાં રહીને કર્યું. સંવત ૧૮૫૭ના કારતક વદ ૧૧ને દિવસે ગુરુએ માણાવદરમાં નીલકંઠને દીક્ષા આપીને તેમને સહજાનંદ અને નારાયણ મુનિનાં નામ આપ્યાં. સંવત ૧૮૫૮માં માત્ર એક જ વર્ષ બાદ સહજાનંદને આચાર્યપદે નિયુક્ત કરીને એમને જેતપુરની ગાદીએ બેસાડ્યા. વયની દૃષ્ટિએ સહજાનંદ શિષ્યોમાં સૌથી નાના હતા, પરંતુ એમની વિદ્વત્તા અને પ્રતિભા સૌથી વિશેષ પ્રભાવક હતી. એ જ વર્ષે રામાનંદજીએ પોતાની જીવનલીલા સંકેલી લીધી. ગુરુના અંતિમ સમયે સહજાનંદે ગુરુ પાસે બે વરદાન માગ્યાં તેની વિશેષતા એ છેકે બે વરદાનો એમના ભક્ત પ્રત્યે કરુણાનાં ઘોત. હતાં. પ્રેમાનંદ સ્વામીએ તેમને કરુણાલોચન કહ્યા છે. તે સર્વથા યથાર્થ છે. સહજાનંદને આચાર્યપદે નિયુક્ત કર્યા એ સ્વામી રામાનંદના કેટલાક શિષ્યોને ચ્યું તો નહિ, પરંતુ સહજાનંદે પ્રેમથી એ સૌનાં દિલ જીતી લીધાં અને ધર્મપ્રચારનું કામ આરંભ્યું. સમાધિ-સાધનાના બળે તેમણે એવી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી કે સહજાનંદને સૌપ્રથમ વાર જેનાર એમના આકર્ષણથી ધબ દઈને પડી જતો.

''

ધર્મગ્લાનિના એ યુગમાં સહજાનંદે લોકોમાં એકેશ્વરવાદની ભાવના દેઢ કરી પ્રજામાં ધર્મને નામે પ્રવેશી ગયેલાં દૂષણો દૂર કર્યાં. તેમની ધર્મભાવના વિશાળ હતી. પોતાના સંપ્રદાયમાં તેમણે હિંદુ સિવાયના લોકોને પણ સમાવ્યા. સૌરાષ્ટ્રમાં આ વખતે ઊડાઊડનો સમય હતો. કાઠી લોકો છૂટો કરતા, ધાડ પાડતા ને સીઓનું અપહરણ કરતા. અંદરોઅંદર મારફાડ કરતા. સહજાનંદ સ્વામીએ પોતાના પર્યટનમાં જોયું કે ધર્મસ્થાપનાનું કાર્ય આ કાઠી કોમની સુધારણાથી જ શરૂ કરવું. પણ પછી તો માત્ર કાઠી કોમ પૂરતું આ કાર્ય મર્યાદિત ન ગણાતાં કણબી, કોળી, દરજી, સુથાર, કુંભાર, કડિયા વગેરે નીચી ગણાતી કોમમાં તેમણે ઉપદેશ કરીને, તેમને આચારવિચાર શીખવીને તેમનામાં નવું ચેતન આણ્યું. તેમના સમાજમાં ઘર કરી ગયેલાં અંધશ્રદ્ધા અને વહેમનાં પડળો દૂર કરી સમાજના ઉત્થાનનું અતિ કપરું કાર્ય કર્યું. હિંસાયુક્ત યજ્ઞો બંધ કરાવ્યા. એમની પ્રતિભાથી નિષ્કુળાનંદ જેવા તેમનાથી વયમાં મોટા સાધુએ પણ તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું. એક પારસી તથા કેટલાક ખોજા મુસલમાનો પણ તેમના સંપ્રદાયમાં જોડાયા. આજે પણ સૌરાષ્ટ્રમાં કેટલાક મુસલમાનો સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ છે. એમણે ૨૧ વર્ષની નાની વયે પાંચસો સાધુઓને કાલવાણી મુકામે પરમહંસ દીક્ષા આપી હતી. શિષ્યો માટે તેમણે કડક અને આકરા નિયમો રાખ્યા હતા. તે નિયમોનું તેઓ સ્વયં પાલન કરતા. સંપ્રદાયની વૃદ્ધિ માટે શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ એમ તેઓ માનતા. એમના સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી આપણને બ્રહ્માનંદ, દેવાનંદ, નિષ્કુલાનંદ, ગોપાળાનંદ, નિત્યાનંદ, મુક્તાનંદ ઇત્યાદિ શિષ્યો મળ્યા. આ સાધુઓ સંસ્કૃતના પ્રખર જ્ઞાતા હતા.

સહજાનંદ સ્વામી સવિશેષ સૌરાષ્ટ્રમાં એક પૂજનીય સંત ઉપરાંત સમાજસુધારક તરીકે ઝળકી ઊઠ્યા. સ્વામીએ પછી ધર્મ પ્રચારનો વિસ્તાર વધાર્યો. બ્રહ્મચારી, સાધુ અને પાળા એવા વિભાગ કર્યા. સ્ત્રીઓ માટે જુદાં મંદિરો અને જુદી સભાઓ કરી. સ્ત્રી-પુરુષનો સંસર્ગ ન થાય એ એમના સિદ્ધાંતનો પાયો છે. સહજાનંદ સ્વામીએ હવે શિખરબંધ મંદિરો બંધાવવા માંડ્યાં. વડતાલમાં સંવત ૧૮૮૧ના કારતક સુદ બારસે લક્ષ્મીનારાયણના શિખરબંધ મંદિરમાં સ્થાપના કરી. ત્યારબાદ અમદાવાદમાં મંદિર બંધાવ્યું. તે સમયે ગુજરાતમાં ફક્ત બે જ મોટાં મંદિરો બંધાયેલાં હતાં. અમદાવાદ અને વડતાલમાં તેમણે બે ગાદીઓ સ્થાપી. પોતાના બે ભત્રીજાઓને બોલાવી અયોધ્યાપ્રસાદને અમદાવાદની અને રઘુવીરપ્રસાદને વડતાલની ગાદી સોંપી. આજ સુધી એમના સીધા કે દત્તક લીધેલા વારસો જ આચાર્ય તરીકે ગાદી પર આવે છે.

આજે તો હવે ધર્મના સંગઠનાર્થે ગુજરાતમાં સુંદર સ્થાપત્યસભર અનેક મંદિરો બંધાયાં છે. અમદાવાદ અને વડતાલ ઉપરાંત ગઢડા, ભુજ, ગાંધીનગર, જૂનાગઢ વગેરે સ્થળોએ સુંદર મંદિરો પર ધજાઓ ફરકી રહી છે. આ સ્થાપત્યો ધર્મસ્થાનો ઉપરાંત કલા-સ્થાપત્યની દૃષ્ટિએ પણ ગુજરાતનું ગૌરવ વધારે છે. સહજાનંદ સ્વામી યોજનાકુશળ વ્યવસ્થાપક પણ હતા. એટલે મંદિરો બાંધીને તેની વ્યવસ્થા તેમણે ગૃહસ્થીઓને સોંપીને સાધુઓને વહીવટની જંજાળમાંથી મુક્ત રાખ્યા.

સહજાનંદ સ્વામીએ સંસ્કૃત તેમ જ ગુજરાતી ભાષામાં સંપ્રદાયના પ્રચારાર્થે બે ગ્રંથોની રચના કરી છે. (૧) શિક્ષાપત્રી, જે આ સંપ્રદાયનું સાર્વજનિક ધર્મશાસ્ત્ર છે. એમાં અનુષ્ટુપ-ઉપજાતિ છંદ પ્રયોજાયો છે. ૨૧૨ શ્લોકોનો આ લઘુગ્રંથ સંવત ૧૮૮૨ના મહા સુદ પાંચમે પ્રગટ થયો હતો. એમાં ધર્માચરણ વિષે સૂત્રાત્મક બોધ છે. (૨) વચનામૃત, જેમાં સ્વામીજીએ ગઢડા, સારંગપુર, કરિયાણી, લોયા, વડતાલ અને અમદાવાદમાં આપેલાં અક્ષરશઃ ૨૬૨ પ્રવચનો છે. આ પ્રવચનો મુક્તાનંદ, ગોપાળાનંદ, નિત્યાનંદ અને શુકાનંદ એ ચાર શિષ્યોએ એકત્ર કરીને તેની વાચના સ્વામીજી પાસે મંજૂર કરાવી છે. એથી આ શ્રદ્ધેય ગ્રંથ છે. ગુજરાતી ગ્રંથ સંદર્ભે, નોંધપાત્ર કૃતિ છે. શ્રી ભોગીલાલ સાંડેસરા વચનામૃતને ગદ્ય વાર્તાલાપ શૈલીનું પદ્ય કહે છે. ગુજરાતી ભાષાનાં ચિતનાત્મક ગદ્ય સાહિત્યમાં તેનું આગવું સ્થાન છે. એમાં બ્રહ્મ, માયા, વૈરાગ્ય, સત્સંગ, એકાંતિક ધર્મ, ભક્તિ અને બીજા અનેક વિષયોનું વાર્તાલાપની શૈલીમાં મનોહર નિરૂપણ કર્યું છે. એમાં સૌરાષ્ટ્રની લોકબોલીનો રણકો ધ્યાન ખેંચી રહે છે. જન્મ ઉત્તરપ્રદેશમાં, પરંતુ ચાર ધામની જાત્રાએ નીકળેલા છેલ્લા ચોથા ધામ દ્વારકાનું દર્શન કરવા સ્વામી સહજાનંદે ગુજરાત-સૌરાષ્ટ્રમાં પગ મૂક્યો અને પછી તો ગુજરાતને જ પોતાનું ઘર બનાવ્યું. કર્મભૂમિ બનાવી. પોતાનો સ્વામિનારાયણ સંપ્રદાય સ્થાપીને ધર્મોપદેશની સાથે સાથે સમાજસુધારણાનું પણ બહુમૂલ્ય કાર્ય કરી હજારો માનવીઓના પથદર્શક બન્યા. સહજાનંદ સ્વામી ઈ. ૧૮૦૦માં ગુજરાતમાં આવ્યા અને ઈ. ૧૮૩૦માં તેમના જીવનના અંત સુધી તેમણે ગુજરાત-કાઠિયાવાડની પછાત ગણાતી જાતિઓને ધર્મબોધ કરીને જીવનસુધારણા માટે જીવન સમર્પણ કર્યું.

Post a Comment

Previous Post Next Post