ગરવી ગુજરાતના શ્રીમદ્ રાજચંદ્ર મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ

 


આત્મસાધક સંસારી યોગી, શતાવધાની શ્રીમદ્ રાજચંદ્ર

સાત વર્ષનો એક બાળક.

નામ એનું રાજચંદ્ર. તેના પર અપાર સ્નેહ રાખનાર શેઠ અમીચંદ નામના એક વડીલનું સર્પદંશથી મૃત્યુ થયું. રાજચંદ્રને આ મૃત્યુની ઘટના સમજાઈ નહીં. છાનોમાનો તે સ્મશાને ગયો. ત્યાં એક બાવળ પર ચડીને એણે શેઠ અમીચંદની ભડભડતી ચિતા નજરે નિહાળી. આ જોઈ એને તીવ્ર દુ:ખ થયું. તીવ્ર મનોમંથન થયું અને જાણે ચિતા પરથી પૂર્વજન્મની ઝાંખી થઈ. ત્યારબાદ એ થોડા શાંત થયા.

જન્મનું નામ એનું લક્ષ્મીનંદન, પણ ચાર વર્ષની વયે તે નામ બદલીને રાયચંદ પાડવામાં આવેલું. મોટી વયે રાયચંદમાંથી રાજચંદ્ર થયું અને તેમની અપરિમિત પ્રજ્ઞાથી પાછળથી તે શ્રીમદ્ રાજચંદ્ર કહેવાયા.

બાળપણથી જ તેઓ અત્યંત તેજસ્વી હતા. સ્મૃતિ તો એટલી તીવ્ર કે એક જ વાર કંઈ પણ વાંચે તે એમને યાદ રહી જાય. માત્ર બે જ વર્ષના ગાળામાં સાત ચોપડીનો અભ્યાસ પૂરો કરી દીધો. એટલું જ નહિ, પણ જે શિક્ષકે પ્રથમ પુસ્તકનો બોધ દીધો હતો, તેને અભ્યાસ પૂરો કર્યો બાદ તે ચોપડીનો પાછો તેમને જ બોધ કર્યો. આઠ વર્ષની ઉંમરે તેમણે કવિતા રચવાની શરૂઆત કરેલી. એ જ અરસામાં રામાયણ-મહાભારતનું ૫,૦૦૦ કડીમાં સર્જન કરેલું. દસમે વર્ષે તો એ રસિક અને છટાદાર ભાષણો કરી શકતા અને અગિયારમે વર્ષે એમના લેખો છપાવા માંડ્યા. એમના નિબંધોને પારિતોષિકો મળવા માંડ્યાં. સ્રી-કેળવણીની ઉપયોગિતા વિષે નિબંધ ઉપરાંત ત્રણ દિવસમાં ઘડિયાળ ઉપર ત્રણ સો કડીઓની રચના કરી હતી. આ સમય દરમિયાન કચ્છના દીવાન મણિભાઈ જશભાઈએ રાયચંદને કચ્છ આવવા આમંત્રણ આપ્યું અને રાયચંદે ભુજમાં ધર્મ ઉપર સુંદર પ્રવચન આપીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા. જ્ઞાની બાળકની કચ્છની પ્રજાએ ભારોભાર પ્રશંસા કરી. ઘણાં વર્ષો બાદ તેમને કચ્છના દીવાનપદા માટે આમંત્રણ આવેલું, પણ તે તેમણે સ્વીકારેલું નહીં.

તેર વર્ષની વયે એમણે શિક્ષણ છોડી વ્યવહારમાં ઝંપલાવ્યું. પિતાની દુકાને બેસવાનું શરૂ કરી એમણે વ્યવસાયી જીવનનો આરંભ કર્યો. તેમણે નીતિપૂર્વક વ્યાપાર કર્યો. વ્યાપાર કરતાં કરતાં પણ તેમણે અધ્યયન વિસારે પાડ્યું ન હતું. દુકાનમાં પણ અવકાશ મળ્યે કંઈક ને કંઈક લખતા તેમ જ ધર્મગ્રંથોનો અભ્યાસ કરતા. વાંચવાની તેમની ઝડપ અને અદ્ભુત સ્મરણશક્તિને કારણે નાની ઉંમરમાં જિન આગમો, મુખ્ય જૈન ગ્રંથો, અન્ય ધર્મ-સંપ્રદાયના ગ્રંથો તેમ જ સંસ્કૃત અને માગધીની કોઈ જાણકારી ન હોવા છતાં એ ભાષાના ગ્રંથોનો

પણ અભ્યાસ કર્યો.

લગભગ એક સો પચીસ જેટલા જૈન તથા ઇતર ગ્રંથોના અભ્યાસ ઉપરાંત તેમણે નરસિંહ, મીરાં, આનંદઘન, તુલસીદાસ, અખો, પ્રીતમ, ભર્તૃહરિ, કબીર, દયારામ, સહજાનંદ વગેરેની રચનાઓનો અભ્યાસ કર્યો હતો. શ્રીમમાં સ્મરણશક્તિ ઉપરાંત અજબ એવી ધારણા, અવધાનશક્તિ, તીવ્ર ગ્રહણશક્તિ, ઉપરાંત વિશેષ પ્રજ્ઞા હતી. વ્યાપારની ધમાલિયા પ્રવૃત્તિમાંથી પણ તે અવારનવાર મનન-ધ્યાનાર્થે ચિંતનાર્થે મુંબઈ છોડીને વનોમાં કે પહાડો પર ચાલી નીકળતા. આ દરમિયાન તેઓ એકાંતવાસ જ સેવતા, પત્રવ્યવહાર

કરવાની પણ તેઓ મનાઈ કરતા, ધ્યાનસ્થ અવસ્થામાં તેઓ દેહભાન પણ ભૂલી જતા.

વિ.સં. ૧૯૪૬માં શરૂ કરેલો વ્યાપાર સં. ૧૯૫૬માં તો ચરમસીમાએ પહોંચ્યો હતો. શ્રી રેવાશંકર જગજીવનદાસની ભાગીદારીમાં એમણે કાપડ, કરિયાણું અને અનાજની આડતનું કામ પણ કર્યું હતું. પાછળથી મોતીનો વેપાર પણ કરેલો. શ્રીમદ્ રાજચંદ્ર એકવીસ વર્ષના થયા ત્યારે એમનું લગ્ન ગાંધીજીના એક પરમમિત્ર રેવાશંકર જગજીવન ઝવેરીના મોટા ભાઈ પોપટલાલનાં પુત્રી ઝલકબાઈ સાથે થયેલું. રેવાશંકર મુંબઈના પ્રખ્યાત ઝવેરી હતા. આ ગૃહસ્થાશ્રમને પરિણામે તેમને બે પુત્ર અને બે પુત્રી થયેલાં. એક તરફ સાંસારિક અને બીજી બાજુ ઉચ્ચ આધ્યાત્મિક એમ ઉભય પ્રવૃત્તિમાં એકસાથે એકસરખી પ્રગતિ કરનાર આ જ્ઞાની પુરુષની

અવધાનશક્તિ પણ અદ્વિતીય હતી. લગભગ સંવત ૧૯૪૦ના અરસામાં માત્ર સોળ વર્ષની વયે પોતાની એ અવધાનશક્તિનો પરિચય કરાવેલો. એ કાળમાં શાસ્રી શંકરલાલ માહેશ્વર ભટ્ટ અષ્ટાવધાની ગઠ્ઠાતા. એમનો એક પ્રયોગ શ્રીમદે નિહાળેલો. તે આત્મસાત કરીને શ્રીમદે પોતે ખાનગી મિત્રમંડળમાં તેવો પ્રયોગ કરી બતાવેલો. પછી તો તેઓ બાર અને સોળ અવધાનના પ્રયોગ અને છેવટે તો સો અવધાનના પ્રયોગો પણ કરી કરીને શતાવધાની પણ થયેલા. મુંબઈનાં અંગ્રેજી-ગુજરાતી-મરાઠી વર્તમાનપત્રોએ એમની ભારે પ્રશંસા કરી હતી. આ શક્તિથી આકર્ષાઈને ત્યારના મુંબઈ હાઈકૉર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સર ચાર્લ્સ સાર્જન્ટે યુરોપમાં જઈને આ પ્રયોગ કરવા સૂચવ્યું, પરંતુ ધાર્મિક કારણોસર તેમણે તે સૂચન સ્વીકાર્યું નહિ. ઉપરાંત આવી સિદ્ધિ અને પ્રસિદ્ધિ પોતાની આત્મોન્નતિમાં બાધારૂપ બનશે તેમ લાગતાં પોતાની માત્ર વીસ વર્ષની વયે તો આ પ્રયોગો કરવા ત્યજી દીધા.

અદ્ભુત

વૈષ્ણવ અને જૈન વિશ્વ સંસ્કારોમાં ઊછરેલા શ્રીમદ્ પર ત્યાગપ્રધાન જૈન ધર્મની ઊંડી અસર થઈ હતી અને પાછળથી તેઓ જૈન ધર્મના રંગે પૂરા રંગાઈ ગયા હતા. તેઓ માનતા હતા કે ધર્મગુરુઓ સાંપ્રદાયિક સંકુચિત ર્દષ્ટિથી ઉપદેશ કરતા હતા. તેઓ માનતા હતા કે અકાળે સંસારનો ત્યાગ કરીને સાધુ બનેલાઓ અભાવ અને અસંતોષને કારણે વિકૃત બને છે. પરિણામે એવા સાધુઓના ઉપદેશથી કોઈ અસર થતી નથી. આવાં કારણોસર પણ તેઓ સંસારી રહ્યા હતા. ગૃહસ્થી રહીને જ એમણે પોતાનો પૂર્ણ આધ્યાત્મિક વિકાસ સાધ્યો હતો. પોતાના વિચારોને મુમુક્ષુઓ તેમ જ જનસમુદાય સુધી પહોંચાડવા લેખો, કાવ્યો અને પુસ્તકો લખ્યાં હતાં. શ્રીમદ્ રાજચંદ્રનું સાહિત્ય સ્રી-કેળવણી વિષેના એમના પ્રથમ નિબંધથી આરંભાય છે. સ્રીનીતિબોધ ખંડ ' એમનું પ્રથમ પુસ્તક. એમાં એમણે ગરબીઓ દ્વારા બોધ આપ્યો છે. પુષ્પમાળાનામે નાની પુસ્તિકામાં એમણે સરળ, સચોટ, શૈલીમાં વિચારકણિકાઓ રજૂ કરી છે. એમનું બીજું એક મહત્ત્વનું પુસ્તક છે મોક્ષમાળા’. લગભગ સોળ વર્ષની ઉંમરે લખાયેલું આવા ગંભીર વિષયની છણાવટ કરતું પુસ્તક જોઈને આશ્ચર્યમુગ્ધ થઈ જવાય તેવું છે. તેમાં જૈન ધર્મના સિદ્ધાંતોનું નિરૂપણ છે. ઉપરાંત જૈન આચાર વિષે પણ તેમણે નીડ૨૫ણે પોતાના વિચારો રજૂ કર્યા છે. સંસ્કૃત મહાકાવ્યોની પરિપાટીએ એમણે નેમિરાજનામે પાંચ હજાર શ્લોકોનો ગ્રંથ આપ્યો હતો. આત્મસિદ્ધિશાસ્ત્ર' એમનો સૌથી મહત્ત્વનો ગ્રંથ છે.

 

આ ઉપરાંત શ્રીમદ્ વૈરાગ્યવિલાસ' નામે માસિક પણ ચલાવતા હતા. પોતાના આ સાહિત્યસર્જન દ્વારા શ્રીમદે ગુજરાતી ભાષાની શૈલીના ઘડતરનું કામ કર્યું છે. વિદ્વાન વિવેચક રસિકલાલ છો. પરીખે કહ્યું છે, કોઈ કારણથી રાજચંદ્રનું ગદ્ય અભ્યાસીઓના ધ્યાન બહાર રહી ગયું છે. એ પ્રાજ્ઞ પુરુષે દાર્શનિક ઝીણવટ, સૂક્ષ્મતા અને ભક્તિના ઉદાત્ત ભાવોને વહન કરવા જે રીતે ગુજરાતી ભાષાનો ઉપયોગ કર્યો છે તે આશ્ચર્ય ઊપજાવે તેવી છે.

શ્રીમદ્ રાજચંદ્રના વિચારોનો સાર એમના સકલ વાચન દ્વારા પામી શકાય છે. તેઓ વેદોનું મહત્ત્વ સ્વીકારતા હોવા છતાં એમાંની સઘળી વાતોને સ્વીકારતા નથી. ગીતાના માહાત્મ્યને તેઓ સ્વીકારે છે. જન્મ, પુનર્જન્મ અને પૂર્વજન્મમાં તેમની આસ્થા છે. વર્ણભેદ વિષે તેઓ આગ્રહી ન હતા, છતાં પરધર્મી સાથે સમાન સામાજિક સંબંધો વધારવાની એ તરફેણ કરતા ન હતા. આમ, તેઓ પોતાના સમયની વૈચારિક મર્યાદાને પૂરેપૂરી ઓળંગી શક્યા ન હતા. છતાં તેઓ સર્વધર્મસમભાવમાં પૂરો વિશ્વાસ કરતા હતા. ધર્મના મૂળ તત્ત્વને વીસરી જઈને અનેક વાડાઓમાં વિભક્ત થયેલાં જૈન ધર્મ પણ એ વાડામાંથી મુક્ત થાય એવું ઇચ્છતા હતા. અનેક જૈન મુનિઓ શ્રીમદ્ના જ્ઞાનરાશિ પાસે ઝૂકી પડતા, પરંતુ આવાં કારણોસર એમનું મન લેશમાત્ર પણ અભિમાન અનુભવતું નહિ.

જૈન સંપ્રદાયમાં મતમતાંતરો ઘણાં વધી ગયા હતા. એ પરિસ્થિતિમાંએ બધા વાડાઓને તોડી નાખવાની હિમાયત કરતા. શ્રીમદ્ રાજચંદ્રે જૈન સંપ્રદાય પૂરતું એક ઐતિહાસિક કર્તવ્ય બજાવ્યું હતું એમ કહી શકાય. વૈદિક પરંપરા પરત્વે જે સ્વરૂપનું ઐતિહાસિક કર્તવ્ય સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના દ્વારા બજાવ્યું હતું એ સ્વરૂપનું કર્તવ્ય જૈન સંપ્રદાય પૂરતું શ્રીમદ્ રાજચંદ્રે બજાવ્યું હતું. સર્વધર્મ સમભાવની ભાવનાનો સ્વીકાર અને પ્રચાર કરીને એમણે માનવતાની પ્રતિષ્ઠા કરાવવાની દિશામાં મહત્ત્વનું પ્રદાન કર્યું હતું.

શ્રીમદ્ રાજચંદ્ર ગાંધીજી કરતાં લગભગ બે વર્ષ મોટા હતા. ઇંગ્લેન્ડ જઈ બારિસ્ટરી કરી આવેલા યુવાન ગાંધી ૨૨ વર્ષની વયે ભારત બાવ્યા ત્યારે, મેટ્રિક સુધી પણ અભ્યાસ ન કરેલા અને અંગ્રેજી ભાષા ન આવડતી હોય તેવા રાજચંદ્રથી અત્યંત પ્રભાવિત થયેલા. ગાંધીજીએ પોતાના જીવનઘડતરમાં જે ત્રણ મહાપુરુષોનો ફાળો અને પ્રભાવ ગણાવ્યા છે તેમાંના એક શ્રીમદ્ રાજચંદ્ર હતા. પોતાની મૂંઝવણોના પ્રસંગોએ ગાંધીજીએ શ્રીમદ્નું માર્ગદર્શન લીધું હતું.

સાધુચરિત માતાપિતાની કૂખે જન્મેલા, વિભૂતિ સમા શ્રીમદ્ રાજચંદ્રે માત્ર તેત્રીસ વર્ષની વયે પોતાની જીવનલીલા સંકેલી લીધી. સ્વભાવે સત્યનિષ્ઠ, સરળ અને સાત્ત્વિક, અનાસક્ત પ્રકૃતિ છતાં કુટુંબ પ્રત્યે અસાધારણ વત્સલ ભાવ રાખનાર તેમની ચિત્તવૃત્તિ જનક વિદેહી જેવી હતી. અપ્રતિમ બુદ્ધિ-પ્રતિભાવાળા પરમ આત્મસાધક, સાંસારિક યોગી, ગદ્ય-પદ્યકાર, શતાવધાની આ સંતનું સ્થાન ગુજરાતના જ્યોતિર્ધરોમાં

અવિચળ છે.

Post a Comment

Previous Post Next Post