ઝવેરચંદ મેઘાણી.....
લાગ્યો કસુંબીનોરંગ —
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ!
જનનીના હૈયામાં પોઢંતાં પોઢંતાં
પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ. — રાજ
બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં
ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ. — રાજ
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં
ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં
મહેક્યો કસુંબીનો રંગ. — રાજ
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર
ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી
ચૂમ્યો કસુંબીનો રંગ. — રાજ
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ
ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે
પાયો કસુંબીનો રંગ. — રાજ
પીડિતની આંસુડાધારે-હાહાકારે
રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે
સળગ્યો કસુંબીનો રંગ. — રાજ
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે
છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ* બેટાઓની માતાને ભાલે
મલકાયો કસુંબીનો રંગ. — રાજ
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા રંગીલાં હો
પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાંઃ ટેકીલાં હો!
લેજો કસુંબીનો રંગ. — રાજ
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ —
લાગ્યો કસુંબીનો રંગ.
કલકત્તામાં ઍલ્યુમિનિયમનાં વાસણો બનાવનારી પેઢી જીવણલાલ કંપનીમાં મોટા પગારથી સારી રીતે સ્થિર થયેલા ઝવેરચંદ મેઘાણીએ ૧૯૨૧માં પોતાના વતન કાઠિયાવાડમાં ગુલાબચંદ વખારિયાને પત્ર લખ્યો : “અંધારું થતું જાય છે. ગોધૂલિનો વખત થઈ ગયો છે.
વગડામાંથી પશુઓ પાછાં આવે છે. એના કંઠની ટોકરીઓનો અવાજ કાને પડે છે, મંદિરમાં ઝાલર વાગવા લાગી. હું પણ એકાદબે માસમાં પાછો આવું છું. ધરાઈને આવું છું. જીવનની આ ગોધૂલિના સમયે - અંધકાર અને પ્રકાશની મારામારીને વખતે મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે. હું રસ્તો નહિ ભૂલું. એના સાદને હું ઓળખું છું. - લિ. હું આવું છું.’
પત્રને અંતે ‘ઝવેરચંદ મેઘાણી’ એમ સહી કરવાને બદલે “લિ. હું આવું છું.” લખનારને પોતાના જીવનનો માર્ગ સૂઝી ગયો હતો ? હા - આર્થિક રીતે માત્ર પગભર જ નહિ, પણ સધ્ધર થયે જતા, પોતાના શેઠના પ્રીતિપાત્ર, નિષ્ઠાવાન એવા મેઘાણીએ આવો નિર્ણય લીધો હતો.
જીવણલાલ કંપનીમાં ઝવેરચંદના હાથ નીચે ૬૦૦ થી ૭૦૦ માણસો કામ કરતા હતા. સાત વાગ્યે કારખાનું શરૂ થાય એ પહેલાં મેઘાણી સાઇકલ પર હુગલી નદીને કિનારે પહોંચતા. હોડીમાં સાઇકલ મૂકીને સામા કાંઠે જતા. પાછા સાઇકલ પર ચડી કારખાને પહોંચી જતા.
બપોરે વીશીમાં જમી લે. મજૂરો અને સાથીઓ સાથે એમનું વર્તન ખૂબ માયાળુ હતું.
કલકત્તાના નિવાસ દરમ્યાન એમણે બંગાળી ભાષા શીખી લીધી. બંગાળી સાહિત્ય વાંચ્યું, નાટકો જોયાં. નોકરી સિવાયના સમયનો
તેમણે પૂરેપૂરો સદુપયોગ કર્યો.
શેઠ જીવનલાલ સાથે ઝવેરચંદ ત્રણ મહિના લંડન જઈ આવ્યા. જીવણલાલની ઇચ્છા એવી હતી કે ઝવેરચંદ લંડનમાં જ સ્થિર થાય અને ત્યાંનું કામકાજ સંભાળી લે. પણ... કાઠિયાવાડની ભોમકાની સુગંધ મેઘાણીને સાદ કરીને બોલાવી રહી હતી. ઝવેરચંદ વેપારનો જીવ ન હતો. એ તો સાહિત્યનો જીવ હતો.
એ નોકરીમાં બધી વાતે સુખી હતા છતાં એમનો જીવ ઠરતો ન હતો, અને... એમણે અચાનક જ નિર્ણય લઈ લીધો.
શેઠ તેમ જ કુટુંબીજનો દુભાયા, પણ
એક દિવસ પોતાના વતનનો સાદ સાંભળીને ઝવેરચંદ કાઠિયાવાડ પાછા ફર્યા. “ ચાલ્યો આવ, સોરઠની ધરતી પર ચાલ્યો આવ, બેટા ! એનાં નર અને નારીઓને, સંત અને સાધુઓને, બહારવટિયા અને બંધુઓને, ડુંગરો અને નદીઓને આલેખવા ચાલ્યો આવ.”
કલકત્તાથી
કાઠિયાવાડ આવેલો એ જુવાન આસાયેશ અને સાહ્યબીના જીવનને રામરામ કરીને મા- ભોમનાં
ડુંગરો અને મેદાનો ખૂંદવાનો કપરો મારગ પસંદ કરે છે - ધરતીના ધાવણનું ઋણ ચૂકવવાને
કાજે.
કાઠિયાવાડ આવ્યા બાદ તેમને માટે અનેક નોકરીઓ તૈયાર હતી. નિશાળમાં શિક્ષકની તેમ જ દેશી રજવાડાંઓની પણ. તો વળી વેપારમાં નીવડેલા મેઘાણીને વેપાર તરફ ખેંચવાનોય કોઈકે પ્રયત્ન કરી જોયો. દરમ્યાન ઈશ્વરકૃપાએ તેમનો ભેટો હાડાળા દરબાર વાજસુરવાળા સાથે થાય છે. બંને વચ્ચે વાતોની રમઝટ બોલી.
દરબાર મારફતે કથાવાર્તાના લીધે કોઠાર સમા સામંત ગઢવીનો પરિચય થયો. તેમના સત્સંગને લીધે લોકસાહિત્યની સમૃદ્ધિ તરફ મેઘાણીનું ધ્યાન ખેંચાયું. પરિણામે મેઘાણીમાં રહેલો સુષુપ્ત વાર્તાકાર જાગ્રત થઈ ગયો. પિતા કાલિદાસની ફોજદારીની નોકરીમાં બદલીઓને કારણે સૌરાષ્ટ્રની ધરતીનો ખૂણેખૂણો તેમના પગ તળે બાળપણમાં જ ખૂંદાયો હતો.
જાતભાતનાં પાત્રોને નજદીકથી નીરખવાનો અને તેમના અંતરંગ પામવાનો મોકો આપોઆપ જ મળી ગયો હતો.
વિશિષ્ટ કૃતિઓ :
સૌરાષ્ટ્રની રસધાર ૧ થી ૫, સોરઠી બહારવટિયા ૧-૩, સોરઠ તારાં વહેતાં પાણી વસુંધરાનાં વહાલાંદવલાં, તુલસીક્યારો, વેવિશાળ, પ્રભુ પધાર્યા, હંગેરીનો તારણહાર, કુરબાનીની કથાઓ, જેલઓફિસની બારી, માણસાઈના દીવા, રાણો પ્રતાપ, શાહજહાં, કંકાવટી, રઢિયાળી રાત ૧ થી ૪, યુગવંદના, રવીન્દ્રવીણા, સોરઠી સંતો વગેરે...
