ગરવી ગુજરાત ના ગોંડલનરેશ ભગવતસિંહજી પ્રજાલક્ષી શાસક અને આરોગ્યસુધારક



ભગવદ્ગોમંડળ કોશના પ્રણેતા ગોંડલનરેશ ભગવતસિંહજી....

ભારત દેશને ઈ.સ. ૧૯૪૭માં સ્વતંત્રતા મળી તે પહેલાં દેશમાં અનેક દેશી રાજ્યો હતાં. આ પ્રદેશોમાં રાજાઓનું રાજ્ય હતું. તેમની સત્તા એકહથ્થુ હતી. રાજાઓ મનસ્વી રીતે વર્તતા, પરંતુ તેમાં કેટલાક અપવાદ પણ હતા. આ અપવાદોમાં એક ગોંડલ રાજ્યના મહારાજા ભગવતસિંહજી પણ હતા.

કવિવર ન્હાનાલાલના થોડાં વાક્યોથી ભગવતસિંહજીના શાસનકાળની ઝાંખી થઈ શકે છે : ગોંડલ રાજ્યની જમાવટ ભા કુંભાજીએ કીધી. ગોંડલને આજના જમાનાનું કીધું મહારાજ ભગવતે. ગોંડલમાં આજે ખેડૂત અઘાટ જમીનના હક્ક ભોગવે છે. છેલ્લાં પિસ્તાળીસ વર્ષથી રાજકુટુંબ (સ્વયં) સાલિયાણું બાંધીને વર્તે છે. અનેક કરવેરા માફ થયા છે, દાણ નથી, કાઠિયાવાડમાં રેલવે બાંધી, રાજ્યમાં પાકી સડકો કીધી, નાના ગરાશિયાઓ માટે કૉલેજ સ્થાપી. મેટ્રિકનો સાત વર્ષનો અભ્યાસક્રમ પાંચ વર્ષમાં શીખવવાનો અખતરો કીધો હતો. નદીના બે કાંઠાઓની રોનક જૂના આગ્રાની યાદ આપે છે. કચ્છ, કાઠિયાવાડ કે ગુજરાતમાં કદાચ સારાય ભારત ખંડમાં-ગોંડલના જેટલા ઓછા કરવેરાવાળું દેશી કે અંગ્રેજી રાજ્ય નહિ હોય. કુંભાજી કહેતા હતા કે, ખેડૂત મ્હારા સોનાનાં ઝાડ છે, આજે મહારાજ ભગવત કહે છે કે એ ઝાડવે મોતી પકવો ને માણો.

ગોંડલ ઠાકોર સંગ્રામસિંહજી તથા તેમના રાણી મોંઘીબા સ્વામિનારાયણ ધર્મ પાળતાં. તેથી પોતાના પુત્રનું ભગવતસિંહજી નામકરણ તેમણે સ.ગુ.ગુણાતીતાનંદ સ્વામી પાસે કરાવેલું. પુત્ર ચાર વર્ષનો જ થયો ત્યાં પિતા સંગ્રામસિંહજી દેવ થયા. ભગવતસિંહજી સગીર હોવાથી નિયમ મુજબ ગોંડલ રાજ્ય રાજકોટ એજન્સીના વહીવટ હેઠળ મુકાયું. અંગ્રેજી સત્તાને આધીન રહી ભગવતસિંહજીનો અભ્યાસ રાજકોટની રાજકુમાર કૉલેજમાં થયો, આમ છતાં માતા મોંઘીબાએ તેમની કેળવણીમાં જાતે રસ લીધો. એ વખતના રાજકારણમાં ઘણાં બાહોશ સન્નારી તરીકે તેમની છાપ હતી.

ઈ.સ. ૧૮૮૩માં કૉલેજનું શિક્ષણ પૂરું કરી ભગવતસિંહજીએ યુરોપની સફર કરી. ૧૮૮૪માં ઉંમર લાયક થતાં તેઓ રાજ્યની ગાદીએ બેઠા. સંસ્કાર અને કેળવણીને કારણે તેમનામાં મહત્ત્વાકાંક્ષાનાં બીજ તો નાનપણથી જ રોપાયાં હતાં. ઉપરાંત યુરોપની યાત્રાને કારણે પરદેશોની પ્રગતિ પ્રત્યક્ષ જોઈને તેમને પોતાને વધુ જ્ઞાન મેળવવાની ઇચ્છા થઈ. તેથી રાજ્યકારભાર દીવાનને સોંપીને તેઓ ઈંગ્લૅન્ડ તથા સ્કૉટલૅન્ડની એડિનબરો યુનિવર્સિટીમાં તબીબી અભ્યાસ કરીને એમ. ડી. થયા. ભારતીય રસાયણશાસ્ત્ર પર એમણે સંશોધન- મહાનિબંધનો જે ગ્રંથ પ્રગટ કર્યો તે તદ્વિદોમાં ઘણી પ્રશંસા પામ્યો. તેની કદરરૂપે મુંબઈ યુનિવર્સિટીએ તેમને ફેલોની, એડિનબરો યુનિવર્સિટીએ એલ.એલ.ડી. તથા આર.પી.પી.ની તેમ જ ઑક્સફર્ડ યુનિવર્સિટીએ ડી.સી.એ.લી.ની માનભરી પદવીઓ આપેલી.

ઇંગ્લેન્ડમાં પોતાના નિવાસ દરમિયાન મોજશોખમાં રચ્યપચ્યા ન રહેતાં ત્યાંની તેમ જ પોતાના દેશની પરિસ્થિતિનો તેમણે અભ્યાસપૂર્ણ ક્યાસ કાઢ્યો હતો. ઇંગ્લૅન્ડનાં ઔદ્યોગિક નગરો જોઈને એમને ભારતમાં ઔદ્યોગિક વિકાસની આવશ્યકતા સમજાઈ હતી. સેવાભાવની જે પ્રવૃત્તિઓ વિદેશોમાં ચાલે છે એ પ્રવૃત્તિઓ તરફ એમને આકર્ષણ થયું.

ગોંડલની ગાદીએ બેઠા પછી પહેલે જ વર્ષે તેમણે ધોરાજીમાં હૉસ્પિટલનો પાયો નાખ્યો, એક હુન્નરશાળાની સ્થાપના કરી, દરબારી ગેઝેટ પ્રગટ કરવાની શરૂઆત કરી, કેળવણીની અનેક સંસ્થાઓ શરૂ કરી. ઈ.સ. ૧૮૮૭માં ધોરાજીથી પોરબંદરની રેલવે બાંધવામાં આવી. ગોંડલ રાજ્ય ઘણું નાનું હતું. તેનું ક્ષેત્રફળ ૧,૦૨૪ ચો. માઈલ હતું, જેમાં માત્ર ૧૭૫ ગામ હતાં. આમ છતાં ભગવતસિંહજીના સુધારાઓને તેમ જ પ્રગતિને કારણે ગોંડલ રાજયને પહેલા વર્ગનો દરજ્જો મળ્યો હતો. પોતાનું રાજ્ય યુરોપના પ્રગતિશીલ ધોરણે એક આદર્શ રાજય બને એ તેમનું જીવનધ્યેય હતું.

આ માટે રાજયના છેવાડા સુધીના દરેક ગામે શાળા, દરબારી ઉતારા, પાકો કૂવો, પાકી સડક તેમ જ

આજુબાજુનાં ગામડાંઓને સાંકળી લે તે રીતની ટેલિફોનની સગવડ તેમણે કરાવી આપેલી. અન્ય દેશી રાજ્યો પણ ખુદ બ્રિટિશ હકૂમત તળેના વિસ્તારોમાં પણ આવી અને આટલી સગવડ ન હતી. ઉપરાંત રાજ્યભરમાં તેમણે લાખો વૃક્ષો વવડાવીને પ્રદેશને રળિયામણો કર્યો હતો. અઢાર વર્ષની વયે યુરોપની મુસાફરી દરમિયાન કેમ્બ્રિજની મુલાકાતે જતાં તેમણે રસ્તાની બંને બાજુએ સુંદર વૃક્ષો જોયેલાં, તેની વચ્ચેથી જતા માર્ગનું સૌંદર્ય તેમની આંખમાં વસી ગયેલું. પોતે વવડાવેલા દરેક ઝાડ પર સંખ્યાંક લગાડી તેનું રજિસ્ટર રખાતું. ભગવતસિંહજી બચપણથી જ વિચક્ષણ હતા. પ્રત્યેક ચીજવસ્તુ-ઘટના પરત્વે તેમનું આગવું અને મૌલિક દૃષ્ટિબિંદુ હતું. વૃક્ષો ઉછેરવા સંબંધમાં તથા જીવનસૃષ્ટિને કૃત્રિમ વાતાવરણમાં જીવનભર રાખી તેમની પાસેથી કામ લેવા બાબતમાં ભગવતસિંહજીએ માત્ર અઢાર વર્ષન ઉંમરે યુરોપયાત્રા દરમિયાન નોંધેલી નીચેની વાત તેમનું સ્પષ્ટ દૃષ્ટિબિંદુ રજૂ કરે છે.

તા. ૧૭મી જૂન, ૧૮૮૩, બપોરે અમે કયુ ગાર્ડન્સ તરફ ગયા. કેટલાક ઉષ્ણ પ્રદેશની વનસ્પતિ માટેનાં ગૃહો સુવ્યવસ્થિત હતાં તેમ જ બધાં સ્થાનની સારી સંભાળ લેવાતી હતી, પરંતુ બીજા બાગોની માફક તે મને ગમ્યો નહિ. પ્રત્યેક છોડને પોતાના નૈસર્ગિક વિકાસ માટે અનુકૂળ જમીન તેમ જ આબોહવા હોય છે. જુદા જ વાતાવરણમાં થતા છોડને કૃત્રિમ ઉપાયો વડે ઉછેરવા તેમ જ બળજબરી અને જુલમ વડે તેની ૫૨ ફળો પકવવાં, એ મારા મનને પ્રશંસાપાત્ર ન લાગ્યું. વૈજ્ઞાનિક દષ્ટિએ તે એક ભલે મહત્ત્વનું કાર્ય હોય, પરંતુ એ બધું છતાં તે સ્વાભાવિક નથી. કુદરત અને કળા માટે મારા ખ્યાલ પ્રમાણે પોતપોતાનાં નિરનિરાળાં કાર્યો નિર્માણ થયેલાં છે. તે બંનેની વચ્ચે વાજબી અંતર રાખવામાં આવે ત્યાં સુધી જ તેમની ખૂબીઓ જળવાઈ રહે છે. કુદરતની પવિત્ર મર્યાદા ઉપર વિજ્ઞાનને આક્રમણ કરવા દેવામાં આવતાં, મને ભય રહે છે કે, તે પોતાનું આકર્ષણ ગુમાવશે.

ભગવતસિંહજીએ રાજ્યમાં ખેતીના વિકાસમાં ખૂબ જ રસ લીધો હતો. ખેડૂતોને તેમણે સર્વપ્રકારના કરવેરાથી મુક્ત કર્યા. એ વેળાએ આખા ભારતમાં ગોંડલના ખેડૂત જેટલો સુખી ખેડૂતવર્ગ કોઈ રાજ્યમાં કે બ્રિટિશ હિંદમાં ન હતો. સામાન્ય રીતે દરેક રાજ્ય પોતાની આવક વધારવા જકાત નાખે છે, પરંતુ એમણે જકાત માફ કરી વેપાર-ઉદ્યોગને ઉત્તેજન આપ્યું હતું. કેળવણીના ક્ષેત્ર પર તો તેમણે ખાસ ધ્યાન આપ્યું હતું. તેમણે તૈયાર કરવેલી વાચનમાળાના ભાવનામય પાઠો ઉપરથી, પોતાના પ્રજાજનોને તે કેવી રીતે તૈયાર કરવા માગતા હતા તેનો ખ્યાલ આપે છે. પુણેની ફર્ગ્યુસન કૉલેજને સખાવત કરતી વેળા ગોંડલ રાજ્ય મોકલે તે બે વિદ્યાર્થીને દર વર્ષે કૉલેજમાં કોઈ ફી વિના મફત દાખલ કરવા તેવી શરત મૂકેલી. તેને પરિણામે તે કૉલેજમાંથી ગોંડલના ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકેલા.

ભગવતસિંહે એમના જીવનમાં જે મહત્વનાં કાર્યો કર્યા તેમાં સૌથી વિશેષ મહત્ત્વનું અને એમની કીર્તિને ચિરંજીવી બનાવતું કાર્ય તો ભગવદ્ગોમંડલ નામના કોશના સંપાદનનું છે. ઈ.સ. ૧૯૨૮ના ઑક્ટોબરની પહેલી તારીખે આ કોશનું સંપાદનનું કાર્ય શરૂ થયું હતું. એને માટે એમણે એક સમિતિ નીમી હતી. તેના મુખ્ય સંપાદક હતા ચંદુલાલ બહેચરદાસ પટેલ. આ કોશ નવ ભાગમાં પ્રગટ થયો હતો. એક સર્વોત્તમ જ્ઞાનકોશ પ્રગટ કરવાની મહારાજા ભગવતસિંહની અભિલાષા હતી. તે જ્ઞાનકોશના નવ ભાગ અવિરત છવ્વીસ વર્ષની અખંડ સાધનાની પરિણામરૂપે પ્રગટ થયા. જોડણી, વ્યુત્પત્તિ, અર્થ, અર્થના છાપા ભેદ, સમાસ વગેરે અનેક વિગતોથી તે સમૃદ્ધ બન્યા. તેમાં અનેક રૂઢિપ્રયોગો પ આપેલા છે. જ્યાં-જયાંથી નવો શબ્દ મળ્યો ત્યાંથી મેળવી આ શબ્દભંડોળ લગભગ અઢી લાખની સંખ્યાએ પહોંચ્યું હતું. આ માટે જો કોઈ નવો શબ્દ લઇ આવે તો તેને શબ્દદીઠ એક આનાનું ઇનામ આપવામાં આવતું. આટલો વિપુલ શબ્દભંડાર કે કોશ ગુજરાતી ભાષામાં નથી. આ કોશ પ્રગટ થતાં જ તેને વિદ્વાનો દ્વારા ખૂબ જ ઉમળકાભેર આવકાર મળ્યો. મહાત્મા ગાંધીજી તેમ જ સાક્ષરવર્યં કનૈયાલાલ મુનશી જેવાએ ભગવદ્ગોમંડળ કોશની ભારે પ્રશંસા કરી હતી.

ભગવતસિંહ અનેક વાર વિદેશપ્રવાસ પણ કર્યા હતા. ૧૮૯૪માં ભારતીય તબીબી કોંગ્રેસમાં ભાગ લીધા બાદ તેઓ એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં એક વિભાગના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તે માટે તેમણે ઇંગ્લેન્ડ અને રશિયાના પ્રવાસો કર્યા હતા.

ભગવતસિંહનું જીવન અતિશય સાદું હતું પ્રયોજન વિના તેઓ રાજ્યની હદ છોડી રાજકોટ જેવા નજીકના સ્થળે કે ભારતમાંય જતા નહિ, તેમનો પોશાક પણ સાદો હતો. સ્વદેશી સાદો પોશાક તેમણે યુવાવસ્થાથી તે જીવનના અંત સુધી રાખ્યો હતો. ખોરાક પણ તેમનો સાદો પોતે નિતાંત કરકસરથી રહેતા અને દરેક ખાતામાં પૂરી કરકસરથી કામ થાય તેની કાળજી રાખતા. એમના સાઠ વર્ષના અમલ દરમિયાન મોટરોનો ઉપયોગ થવા માંડેલો, છતાં પોતે વિક્ટોરિયામાં જ ફરતા. ૧૯૪૪માં તેમના રાજ્યઅમલને સાઠ વર્ષ પૂરાં થયાં તે પ્રસંગે એક

મહોત્સવ યોજાયો હતો. ત્યારે ગુજરાતના નામાંકિત પુરુષોએ તેમને ભાવભરી અંજલિઓ આપી હતી.

ગુજરાતમાં ગણ્યાગાંઠથા આદર્શ રાજવીઓ થઈ ગયા છે તેમાં ભગવતસિંહજી આગલી હરોળમાં છે.

Post a Comment

Previous Post Next Post